આખી રાત એકાંતવાસ ભોગવીને હમણાં જ જામીન પર છૂટ્યો હોય એવો પવન બારીએથી ઘરમાં પ્રવેશ્યો ત્યારે જાગવાની ઈચ્છા ન હોવા છતાંય સંકેત પથારી છોડવા વિવશ થઈ ગયો ને ફટાફટ તૈયાર થઈ ગયો. એને હજું બેત્રણ કલાક બાઈક ચલાવીને ગામડે જવાનું હતું. આમ તો એ થોડા દિવસ પહેલા જ ગામડેથી પાછો આવેલો તેમ છતાંય સમાચાર મળ્યાં કે દાદાની તબિયત ફરી લથડી છે એટલે એનું ગામડે જવું જરૂરી હતું. સંકેત મોડું કરવા ઈચ્છતો ન હતો એટલે માર્ગમાં જ ચાનાસ્તો કરી લેશે એવું નક્કી કરી એ નીકળી પડ્યો. રસ્તામાં બેત્રણ વખત ફોન આવ્યા હશે પરંતું એનું મન વિચારોમાં જ પરોવાયેલું હોવાથી એનું ફોન રીંગ પર ધ્યાન જ નહોતું ગયું આખરે ચોથીવાર ફોન રણક્યો ને એની વિચાર તંદ્રા તૂટી.
' સંકેત બેટા ક્યાં પહોંચ્યો તું? 'સામેથી મમ્મીનો અવાજ આવ્યો.' મમ્મી, હું હજું કડી પહોંચ્યો છુ ', 'બેટા ! તારા દાદાને અમદાવાદ સિવિલમાં લઈને આવ્યા છીએ એટલે તું હવે ત્યાં જ સીધા આવજે ! ' 'સારું મમ્મી.' ફોન કટ થયો ને સંકેત વિચારોમાં ફરી ખોવાઈ ગયો. સંકેત એના દાદા પર જ ગયો છે એવું જ્યારે એણે પહેલીવાર સાંભળેલું ત્યારે એને ખૂબ આનંદ થએલો ને એ પછી તો ઘણો સમય દાદા સાથે વિતાવવાનું બનેલું. દાદાના દરેક કામ દોડી દોડીને કરનાર સંકેતને જ્યારે શહેરમાં ભણવા જવાનું નક્કી થયેલું ત્યારે ઘરના બધા જ ના પાડતા હતા ત્યારે પણ દાદાની જ એ જીદ હતી કે સંકેત શહેરમાં જઈને ભણીગણીને આગળ વધે. પોતે ગામની બહાર ક્યારેક જ નીકળેલા ને સંકેતને બંધિયારુ જીવન ન જીવવું પડે એથી ઘરના સૌના વિરોધ વચ્ચે દાદાએ જ સંકેતને શહેર મોકલવા માટે તૈયારી બતાવેલી એટલે ઘરના સહુએ એમની વાતને માનવી પડેલી.
બેટા તું આવી ગયો? જા બેટા, તારા દાદાને મળી લે એકવાર. સંકેત રૂમનો દરવાજો ખોલી અંદર ગયો. 'તારા દાદા ફરી ફરી તને જ યાદ કરતાં હતાં, સંકેત આવ્યો કે નહીં એમ ક્યારના પૂછ પૂછ કરતાં હતા પણ હવે એમણે બોલવાનું સાવ બંધ જ કરી દીધું છે' એમ મમ્મીએ કહ્યું ત્યારે સંકેત દાદાને છેલ્લે ગામડે મળેલો એ યાદ આવી ગયું.
'બેટા સંકેત, અહીં આવતો! હા દાદા આવ્યો ! આવ્યો ! હા દાદા બોલો ! કેવી છે તમારી તબિયત? બેટા હું તો હવે ખર્યું પાન છું હવે મને શું થવાનું છે? અરે દાદા આમ કેમ બોલો છો તમારે તો હજું ઘણું જીવવાનું છે, હજું તો મારે તમને મોટી મોટી હોટલોમાં જમાડવાના છે, તમને ગમતા સ્થળોએ ફરવા લઈ જવાના છે મારે. તમે એકવાર સાજા થઈ જાઓ પછી આપણે બંને જઈશું. 'બેટા ! હું તો હવે કયાં તારી સાથે જમવા કે ફરવા આવી શકવાનો ? પણ બેટા મારી એક વાત યાદ રાખજે કે તું શહેરમાં જઈને ભણ્યો, નોકરીએ લાગ્યો પણ તારા ભાઈ બેન હજું નાના છે,ભણે છે એમને આગળ ભણાવવાની , એમને નોકરીએ લગાડવાની જવાબદારી હવે તારે માથે છે. તારી મમ્મી ક્યાં સુધી બધાની ચિંતા કર્યા કરશે ? ક્યાં સુધી એને તકલીફ વેઠવાની? તારાં પપ્પાના ગયા પછી આખા ઘરની જવાબદારીઓ એને જ માથે ઉપાડી લીધેલી. કયારેય ધરાઈને ધાન ખાવા એ બેઠી નથી. મારા સંતાનોનું શું થશે? એ જ એની ચિંતા રહી છે. પણ હવે તું નોકરીએ લાગ્યો, ઘરની જવાબદારીઓ માથે લઈ શકે એવો સમજણો થયો છે એટલે બેટા તને હું આજે કહીં રહ્યો છું. તારા ભાઈબહેનને કોઈ વાતે ઓછું ન આવે એનું ઘ્યાન રાખજે. '
થોડા દિવસ પહેલા જે દાદા સૌની ચિંતા કરતા હતા તે આજે હોસ્પિટલના બીછાને ચૂપચાપ સૂતા છે એ જોઈને સંકેતની આંખમાં આંસું આવી ગયા. એણે દાદાનો હાથ પકડી લીધો ને જાણે દાદાને કહેતો હોય કે દાદા તમે હવે કોઈની ચિંતા ન કરો હું બેઠો છું, હું મારી મમ્મીનું ઘ્યાન રાખીશ, મારા ભાઈબહેનને ભણાવી ગણાવી નોકરીએ લગાવીશ, એમના લગ્ન કરાવીશ. તમે હવે કોઈ વાતની ચિંતા ન કરો. ને દાદાએ એકવાર આંખોં ખોલી પોતાના વ્હાલસોયા સંકેતની સામે એકવાર નજર કરી, પોતાની માથેનો ચિંતાનો બધો જ ભાર સંકેત લઈ રહ્યો હોય એવું અનુભવતા દાદાએ હંમેશ માટે આંખોં મીંચી દીધી.
(વનમાળી ઠાકોર)