'આ વખતે તો મારે કુલર જોઈએ જ હોં ! ક્યાં સુધી બફારામાં પડ્યા રહેવાનું અમારે? તમને તો ગરમી હોય કે ઠંડી કંઈ ફેર જ નથી પડતો પણ અમારું તો વિચારો ! મારા છોકરા પણ ડાહ્યા છે તે બીજાની જેમ ખોટી જીદ નથી કરતાં પણ તમારે તો સમજવું પડેને! જુઓ તમને હું આ છેલ્લી વખત કહીં દઉં છું જો આ વખતે તમે કુલર ન લાવી આપ્યું તો હું મારા બંને છોકરા લઈને પીયર ભેળી થઈ જઈશ પછી પડ્યા રેજો તમતમારે એકલા.' શ્વેતા છેલ્લા બે વર્ષથી દર ઉનાળે કુલર લાવવાનું મૃગેશને યાદ અપાવતી, એમ કહો કે ઝઘડતી પણ આ મોંઘવારીમાં બે ટંક ખાવાનો ને બાળકોના ભણતરનો ખર્ચ માંડ નીકળતો એમાં આ કુલર લાવવાનું તો અશક્ય જ લાગતું હતું મૃગેશને. 'આ વખતે તને જરૂર લાવી આપીશ' એમ મૃગેશે કહ્યું તો પણ શ્વેતા બેત્રણ દિવસે ગરમીના ત્રાસથી કંટાળીને ફરી ફરી મૃગેશ સાથે લડાઈ કર્યાં કરતી.
આમ તો મૃગેશ અને શ્વેતાના પ્રેમ લગ્ન હતાં ને શ્વેતા પણ મૃગેશને ખૂબ ચાહતી હતી પણ ક્યારેક પરિસ્થિતિ જ એવી આવી ચડે છે કે માણસ ન ચાહવા છતાં પણ બદલાઈ જાય છે. અલગ જ્ઞાતિ ને નોકરી ધંધા વિનાના મૃગેશ સાથે શ્વેતાને ન પરણાવવાની જીદ લઈને બેઠેલા પપ્પા લગ્ન માટે હા પાડવાના જ નથી એ ખબર હોવા છતાં શ્વેતાએ એની મમ્મીને લગ્ન માટે રાજી કરી લીધી ને પપ્પાને પણ મનાવવાના પ્રયત્નો કરી જોયા પણ આખરે કૉલેજ ગયેલી શ્વેતા એક દિવસ ઘરે પાછી ન ફરી. થોડા દિવસ શોધખોળ પછી સમાચાર મળ્યા કે એણે મૃગેશ સાથે કોર્ટે મેરેજ કરી લીધા છે. ને પપ્પાના ગુસ્સાને સારી રીતે જાણતી શ્વેતા ફરી કયારેય એ ઘરમાં પાછી ન ફરી શકી કે ન ઘરના કોઈની સાથે સંબંધ રાખી શકી.
નોકરીમાં તો માત્ર ઘર ચાલે પણ સપના પૂરા કરવા હોય તો પોતાનો ધંધો જ બેસ્ટ છે એવું માનનારા મૃગેશે બેત્રણ અલગ અલગ વ્યવસાયમાં હાથ અજમાવી જોયો પણ સફળતા એનાથી કોષો દૂર જ રહી. ઉલટાનું વીસ લાખનું દેવું માથે ચડી ગયું. એમાંથી બહાર નીકળવા મૃગેશ જેમ જેમ પ્રયત્ન કરતો હતો એનાં દરેક પાસા અવળા પડતા જતા હતાં. આ બધાથી કંટાળી મૃગેશે નોકરીની શોધ આદરી પણ નોકરીનો કોઈ અનુભવ ન હોય ત્યારે ગમતા પગારમાં નોકરી કોણ આપે? આખરે દસ હજાર જેટલાં પાંખા પગારમાં મૃગેશે નોકરી સ્વીકારવી પડી.
'જુવો મૃગેશભાઈ ! મેં તમને ઘણો સમય આપ્યો છે પણ હવે હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી. તમે ગમે તે કરો મને મારી મૂડી પાછી આપીદો. તમને મેં ગઈ વખતે છેલ્લો વદાડ આલેલો ને તમે તો પછી દેખાયા જ નઈ! હવે જો બે દિવસમાં તમે મને મારા રૂપિયા નથી આપ્યાં તો મારે પછી તમારા ઘરે આવવું પડશે . પછી મને કેતા નઈ કે લક્ષ્મણભાઈએ મારું માન ન રાખ્યું. ' 'પણ લક્ષ્મણભાઈ મારી વાત તો સાંભળો! ' 'મને હવે તમારા કોઈ બહાના સાંભળવામાં રસ નથી. મારે મારા રૂપિયા જોઈએ બસ. પરમ દિવસે સાંજે જો તમે મારી મૂડી, વ્યાજ સાથે પાછી નહીં આપો તો પછી તમને કોઈ બચાવી નહીં શકે એટલું યાદ રાખજો. 'કયારેય કોઈનો ઊંચો અવાજ સાંભળવા ન ટેવાયેલો મૃગેશ આ સાંભળી સમસમી ગયો પણ લક્ષ્મણભાઈ આગળ એક શબ્દ પણ ન બોલી શક્યો.
કુલર લાવવાની જીદે ચડેલી શ્વેતાએ ગરમીથી કંટાળીને ધાબા પર સુવાનું નક્કી કર્યું એથી મૃગેશને થોડી હાશ થઈ પણ લક્ષ્મણભાઈને બે દિવસમાં પાંચ લાખ ક્યાંથી લાવી આપીશ? એ જ વિચાર ફરી ફરી મૃગેશને પરેશાન કર્યાં કરતો હતો.
ઘરનું ઘર વેચીને લેણીયાતથી માંડ છૂટેલા મૃગેશે ફરી ભાગીદારીમાં ધંધો શરૂ કરેલો. પહેલા તો સારો એવો નફો રળતી કંપની કેમની ખોટ ખાતી થઈ ગઈ એ મૃગેશ સમજે એ પહેલા જ બે ભાગીદારો સાઈડલાઈન થઈ ગયા ને 'હું કંપની ચલાવીને બતાવીશ ! ' એમ માનતો મૃગેશ ક્યારે દેવામાં ડૂબી ગયો ખબર જ ન પડી. બેંકના હપ્તા પર હપ્તા બાઉન્સ થતા ગયા ને આખરે એક માત્ર ઘરનું ઘર હતું એ વેચીને દેવું ચૂકતે કરવું પડ્યું.
બસ હવે બહું થયું કયાં સુધી આવી જિંદગી જીવ્યા કરવી? ક્યાં સુધી લોકોનું સાંભળ્યા કરવાનું? હવે તો આવી જિંદગીથી હું કંટાળી ગયો છું. પણ બસ હવે વધું નહીં! આમ વિચારી મૃગેશે આ જિંદગીથી કાયમ માટે છુટકારો મેળવવાનું નક્કી કરી લીધું.
કુલરની ફરમાઈશ કરી કરીને થાકીને સૂતેલી શ્વેતાના મુખ પર ઢોળાતું ચાંદની રાતનું અજવાળું એના ગૌરવર્ણા ચહેરાને વધું સુંદર બનાવતું હતું, એની બાજુમાં બંને બાળકો પણ થાકીને ક્યારનાય પોઢી ગયા હતા. પણ કોણ જાણે કેમ આજે શ્વેતા ઊંઘમાં હોવા છતાં ફરી ફરી મૃગેશના હાથને પકડી લેતી હતી ને જાણે કહેતી ન હોય કે 'મૃગેશ એક તારા જ ભરોસે હું મારું ઘર છોડીને તારી સાથે ચાલી નીકળેલી. આપણાં બંને બાળકોના સપનાને સાકાર કરવાના કોડ તું પૂરા કરીશને? હવે તું મને એકલી મૂકીને ક્યાંય નહીં જાયને! પ્રોમિસને ?'
(વનમાળી ઠાકોર)