ગામમાં કોઈને ગોદડા બનાવવાના હોય, મોહનથાળ બનાવવાનો હોય, કોઈની દીકરીને જોવા આવવાના હોય કે પછી કોઈના ઘરમાં ભાઈઓ ભાઈઓ વચ્ચેના અબોલા તોડાવવાના હોય સૌની જીભ પર એક જ નામ આવે મોંઘી ડોશી. એક એને બોલાવીલો એટલે બધું આવી ગ્યું. મોંઘી ડોશી આવે એટલે સૌને હાશ થાય કે હવે વાંધો નહીં આવે. ડોશી આવ્યા છે તે બધું સાચવી લેશે. પણ શું આ ડોશી પહેલેથી જ આટલી કામગરી, હોંશિયાર ને સૌની માનીતી હશે ખરી?
મોંઘી ! ઓ મોંઘી ! ક્યાં મરી ગઈ? મારા તો ભોગ લાગ્યા કે આ મારા ઘરમાં વહુવારું થઈ આવી ચડી ! આ માવજીએ એનામાં એવું તે શું જોઈ લીધું કે 'પરણીશ તો બા એને જ નહીં તો આજીવન બાવો થઈને ફરીશ' એવું નિમ લઈ બેઠો તે મારે ના છૂટકે એની હારે એનો હથેવાળો કરાવવો પડ્યો.
મને બોલાવી ? શું કામ છે તમારે? આખો દાડો બૂમાબૂમ કર્યા કરો છો. જપીને બેસવા જ દેતા નથી જરાય. આ મારા ક્યાં જનમના પાપ હશે તે આ ઘરે મને પરણાઈ મારા બાપે. કેટકેટલા માંગા આવતા'તા મારા માટે ને તોય ડોહો કે કે 'ઝમકુંમાના ત્યાંથી માંગું આવ્યું છે તે ના ન પાડી શકાય. એમના જેવું ખોરડું દીવો લઈને ગોતવા જઓ તોય ના મળે'. ને મને અહીંયા નાખી મારા બાપે. નહીં તો હું રાજરાણી થઈને રેત. ને અહીં તો આખો દાડો આ ડોશીના પડ્યા બોલ ઝીલવા ઊભા પગે જ રેવું પડે છે. સ્હેજ આઘી પાછી થાઉં ને બૂમાબૂમ કરી મૂકે છે . હવે તો આ ડોશીને જમરાજ લઈ જાય તો એક નાળિયેર ચડાવી દઉ એના નામનું. ખબર નહીં કયારે ભગવાન મારી અરજ સાંભળશે !
મોંઘી બેટા ! જરા આમ આવ તો! આ પેલી રેખલીના લગન છે તે થોડાં ગોદડા બનાવવાં છે હાલ ને મને ટેભા લેવડાવને તો ઝટ કામ પતે ! મને આમે ય હવે ઓછું દેખાય છે તે તું હારે હશે તો દોરો પરોવવામાં મારો ટેમ બચશે. ને મોંઘી કમને ઝમકું ડોશીના કહ્યા પ્રમાણે , ને શીખવ્યા પ્રમાણે ટેભા લેતી જાય ને દોરા પરોવી પરોવીને સાસુને દેતી જાય. આમ ઝમકું ડોશીને દોરો પરોવીને દેવામાં ને ટેભા લેવામાં મદદ કરતાં કરતા કયારે ગોદડાં બનાવતા એને ય આવડી ગયું એનું મોંઘી ડોશીને યાદ નથી.
અલી મોંઘી! ઓ મોંઘી ! દરવાજો ખોલ ને જરા બહાર આવતો! શું થયું? કેમ અડધી રાતે ય હખવારો લેવા દેતા નથી ! હજું માંડ આંખ મેચાણીતી ને તમે જગાડી દીધી. અરે તું જો તો ખરી આ ગોરધન મોહનથાળ બનાવીને ક્યારનો ગયો છે પણ તોય હજું એ તો સાવ ઢીલો ઘેંસ જેવો જ છે ને સવારે તો બધા મેમાન આવશે તો એમને શું આપણે રબળી પીરસશું? પણ આમાં હવે આપણે શું કરી શકવાના? આ મોહનથાળ કેમનો ઠીક થશે? અરે થશે બધું ઠીક. તું ચૂલો સળગાવ પેલા! ને ખાંડની ચાહણી બનાવવા મુક. મોંઘી તો અડધી રાતે ડોશી કે એમ કરે જાય છે ને ઝમકું ડોશી તો ખાંડની ચાસણીનું એક ટીંપુ હાથમાં લઈને એના તાર ચેક કરતી જાય ને ચાસણી હલાવતી જાય એમ ચાસણી કડક થઈ એટલે ઢીલો થઈ ગયેલો મોહનથાળ ફરી એકવાર એમાં નાખી ઘડીક હલાવીને તાસમાં ઠારી દીધો ને થોડીવાર પછી એના ચોસલા પાડ્યા ત્યારે હાશ થઈ. સવારમાં ગોરધન આવ્યો ત્યારે એણે રાતની બધી વાત જાણી ને એને ય હાશ થઈ કે આ ઝમકું ડોશી ના હોત તો આજે એની ય ફજેતી થાત ને ગામનું કોઈ એને ફરી મોહનથાળ બનાવવા ન બોલાવત.
આમ અણગમતી સાસુંના હાથ નીચે કયારે મોંઘી ડોશી ઝમકુંમાની જેમ કામમાં પાવરધી થતી ગઈ એનો એને ખ્યાલ જ ન આવ્યો પણ ઝમકું ડોશી મોટે ગામતરે ગયા પછી ગામના સૌ નાનામોટા કામમાં મોંઘીની જ સલાહ લેતાં થયા, એમનો પડ્યો બોલ ઝીલતા થયા ત્યાંરે સૌને જાણે એમ જ લાગતું કે ઝમકું ડોશી ક્યાંય ગયા નથી. એ મોંઘી ડોશીમા હજું આજેય જીવે છે.
(વનમાળી ઠાકોર )