આવતીકાલે પોતાની વહાલી દીકરીની સ્કૂલ ફી ભરવાનો છેલ્લો દિવસ છે ને હજું સુઘી ક્યાંયથી રૂપિયાની વ્યવસ્થા ન થવાને લીધે મીરાંનું ભણતર અધવચથી છોડાવવું પડશે કે શું ! એની ચિંતાની રેખાઓ હિરેનના કપાળ પર સ્પષ્ટ વર્તાતી હતી. હિરેને પોતાના મિત્ર અતુલને ફિ ભરવા રૂપિયાની વ્યવસ્થા બાબતે પૂછેલું પરંતું ઘણા સમયથી નોકરી છૂટી ગઈ હોવાથી જે પણ બચત હતી એ ખર્ચાઈ જવાથી અતુલ હિરેનને કાઈ પણ મદદ કરી શકે એવી સ્થિતિમાં નહોતો.
હિરેન પોતાની ફોન મેમરીમાં પાંચસો આસપાસ નંબર હોવા છતાં પણ કોને ફોન કરીને પોતાની આ વ્યથા કહીં શકાય એ વિચારોમાં એક પછી એક નંબર સ્ક્રોલ કરી રહ્યો હતો ને ફરી ફરી નિરાશ થઈ એક જ નામ - નંબર પર એની નજરો ખોડાઈ જતી હતી.
'તમારી સાથે રહીને તો હું હવે કંટાળી ગયો છું. શા માટે તમે મને મારે રીતે જિંદગી જીવવા નથી દેતા? ક્યાં સુધી મને નાનો જ સમજતા રહેશો? નથી જોઈતી મારે તમારી કોઈ મદદ હવે! ક્યાં સુધી તમારી દયા પર જીવતાં રહેવાનું અમારે ? આમ ભાઈભાભી સાથે ઝઘડો કરી હિરેન થોડા દિવસમાં મીતા ને મીરાંને લઈને શહેરમાં રહેવા ચાલ્યો ગયેલો. અલગ રહેવાના રૂપિયા તો હતાં નહીં પોતાની પાસે પણ 'થોડા દિવસમાં પાછા આપી દઈશ' એમ કહીને મિત્રો પાસેથી જે રૂપિયા લીધેલા એ પણ એમને ફરી ફરી માંગવા છતાં હજું સુધી પાછા આપી શક્યો નથી એ પણ હિરેનને અત્યારે યાદ આવી ગયું.
હવે ક્યાં મોઢે હું ઘરે વાત કરું? ને મોટા ઉપાડે તું જ ઘર છોડી ચાલ્યો ગયો હતો એમ સંભળાવશે તો ! એ વિચાર ફરી ફરી હિરેનને પરેશાન કરી રહ્યો હતો અને આખરે હિરેને એના મોટાભાઈને ફોન જોડ્યો. સામેથી ભાભીનો અવાજ આવ્યો. કેમ છો હિરેનભાઈ? મજામાં ને? ને મીતા શું કરે છે? અમને યાદ કરે છે કે ભૂલી ગઈ? ને મારી લાડલી મીરા શું કરે છે? ભાભી સાથે વાત કરવાની જરાય ઈચ્છા ન હોવા છતાં પણ હિરેને ટૂંકા જવાબોમાં વાત પૂરી કરી ને મોટાભાઈ ઘરમાં હશે તોય મારી સાથે વાત કરવા નહીં ઈચ્છતા હોય એટલે જ ભાભીએ ફોન ઉપાડ્યો હશે એમ વિચારી હિરેન ફોન મૂકવા જ જતો હતો પણ ત્યાં સામેથી જ ભાભીએ પૂછ્યું ' હિરેનભાઈ કશું કામ હતું? તમારા ભાઈ થોડીવાર પહેલા જ બહાર ગયા છે હમણાં આવી જશે'. 'ના.ભાભી ! બસ એમ જ. આ તો ઘણા સમયથી તમારા બધાની સાથે વાત નહોતી થઈ એટલે.' 'સારું. મીતાને મારી યાદ આપજો ને મીરાનું ભણવાનું કેવું ચાલે છે? એ ભણવામાં હોંશિયાર છે એટલે એને ભણાવજો ને કશું કામકાજ હોય તોય કેજો મૂંઝાતા નહીં.' 'સારું ભાભી !' એમ કહી હિરેને ફોન કટ કર્યો. 'કશું કામકાજ હોય તો કહેજો મુઝાતા નહીં !' એ વાક્ય ફરી ફરી એના કાને અથડાતું રહ્યું પણ મીરાંની ફી ભરવા રૂપિયાની જરૂર છે એવું હિરેન ન કહીં શક્યો. એ વિચાર હિરેનને ફરી ફરી બેચેન
બનાવી રહ્યો. આવતીકાલની ચિંતાએ હિરેનની ઊંઘ ઉડાડી દીધી ને આખી રાત એને ઉજાગરામાં વિતાવવી પડી. એકબે વાર મીતાએ પણ જાણવણી કોશિશ કરી પણ કામનું થોડું ટેન્શન છે એમ કહી હિરેને વાત ઉડાવી દીધી.
આજે મીરાંની સ્કૂલ ફી ભરવાનો છેલ્લો દિવસ છે ને હવે શું થશે ? એમ વિચારી હિરેન ઘરની બહાર નીકળતો હતો ત્યાં જ ફોનની રીંગ રણકી. સામેથી મોટાભાઈનો અવાજ કાને પડયો. ', હું ને તારી ભાભી અમદાવાદ આવવા નીકળ્યા છીએ તું ઘરે જ છે ને?' 'હા મોટાભાઈ.' 'એકાદ બે કલાકમાં અમે આવી જઈશું .ત્યાં આવીને તને ફોન કરું.' 'સારું મોટાભાઈ!'
ક્યાંથી આવવું, ક્યાં સાધનમાં બેસવું વગેરે પૂછવા એક બેવાર મોટાભાઈનો ફોન આવ્યો ને આખરે મોટાભાઈ ભાભી હિરેનના ઘર પર આવી પહોંચ્યા. મીતા ને ભાભી તો આવ્યા એવા રસોડામાં વ્યસ્ત થઈ ગયા ને મોટાભાઈ હિરેન સાથે વાતે વળગ્યા. ને થોડીવાર પછી અચાનક યાદ આવતા ' પેલી થેલી આ બાજું લાવતો! એમ મોટાભાઈએ કહ્યું ને ભાભી કામકાજ પડતું મૂકી મોટાભાઈને મેલીઘેલી થેલી પકડાવી ગયા. હિરેનના આશ્ચર્ય વચ્ચે મોટાભાઈએ એમાંથી પાંચસોની, બસોની, સોસોની નોટો અલગ અલગ કરી હિરેનના હાથમાં પકડાવી દીધી ને ગણી જોવા કહ્યુ. બધી નોટો બેવાર ગણી લીધા પછી 'પચાસ હજાર છે મોટાભાઈ' એમ કહેતાં હિરેને મોટાભાઈના હાથમાં રૂપિયા પાછા મૂક્યા.
' નાનકા, આ રૂપિયા તને બતાવવા નથી લાવ્યો, મારી મીરાંના ભણતર માટે તને ખપ લાગશે એટલે રાખ તારી પાસે' એમ કહીં મોટાભાઈએ એ રૂપિયા હિરેનના હાથમાં જ રહેવા દઈને એ મેલીઘેલી થેલી પત્નીને પાછી આપી.
આજે પોતાના ગામડાની, ત્યાના લોકોની જૂની યાદોને તાજી કરતાં , મોટાભાઈ - ભાભી સાથે હિરેન ઘણા સમય પછી ધરાઈને જમ્યો. ને જતા જતાં મીરાંના હાથમાં સો રૂપિયા આપીને ગામડે જવા નીકળેલા ભાઈ - ભાભીને જોતો રહ્યો.
(વનમાળી ઠાકોર)