જે પણ વ્યક્તિને કશુંક નવું શીખવું છે, પોતાની આવડતમાં વધારો કરવો છે કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પર ઘ્યાન આપવું છે તેમજ જેઓને પોતાની આવડતનો ઉપયોગ કરીને નામના મેળવવી છે, આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવી છે કે પછી પોતાની પાસે જે પણ સ્કીલ છે એ બીજાંને શીખવીને મદદરૂપ બનવું છે એ સૌ માટે આજકાલ ઘણાબધા ઓનલાઈન - ઑફલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ છે જેના પર ઓનલાઈન સેસન એટેન્ડ કરીને કે નોમિનલ ચાર્જ પે કરીને પ્રીપેડ વીડિયો દ્વારા પોતાની ઈચ્છા અનુસાર સમય આપીને પોતાની પ્રતિભાને ખીલવી શકે છે. અને આજકાલ તો યુટ્યુબ પર દરેક વિષયને સ્ટેપ બાય સ્ટેપ શીખવતા અનેક ફ્રી વીડિયો પણ ઉપલબ્ધ છે એટલે 'મારી પાસે રૂપિયા જ નથી હું કેવી રીતે શીખું ?' એ બહાનું હવે જૂનું થઈ ગયું છે. જે પણ વ્યક્તિને શું શીખવું છે? અને એ શા માટે શીખવું છે? એ પ્રશ્નના જવાબ ખબર છે તો એ ક્યાં શીખવું એનો જવાબ પણ શોધતા વાર નહીં લાગે ને આ પ્રશ્નનો જવાબ મળી ગયો તો પછી' કેવી રીતે શીખીશ?' એનો જવાબ શોધવાની જરૂર નહીં રહે.
હા એ ખરું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણે આપણા કામના વીડિયો જોવા સમય કાઢ્યો હોય ને બીજા ઢગલાબંધ વીડિયો પણ આપણને 'મને જો ! મને જો ! એમ જાણે લલચાવવા હોય છે ને ક્યારેક આપણે શા માટે યુટ્યુબ પર આવ્યા છીએ, શા માટે ફેસબૂક, ઇન્સ્ટા કે બીજાં પ્લેટફોર્મ પર આવ્યા છીએ એ થોડા સમય માટે ભુલાઈ જવાય છે ને સમય વિત્યા પછી અચાનક યાદ આવે છે કે અરે હું જે જોવા, સાંભળવા, શીખવા માટે અહીં આવેલો એ તો સાઈડમાં જ રહી ગયું. આમ અહીં શીખવા માટે અનેક સ્કોપ છે તો સાથે સાથે આપણને ભટકાવતા અનેક વિષયો પણ ઉપલબ્ધ છે જ. આમ છતાં પણ જે વ્યક્તિને ખરેખર કશુક શીખવું જ છે એ શીખવા માટેના રસ્તા પણ શોધી જ લે છે.
પરંતું જો તમને લાગે છે કે મારા પર કોઈ સતત ધ્યાન આપે, મને સ્પેશ્યલ શીખવે, મારી ભૂલો સમજાવતા જાય એ રીત જ મને વધું માફક આવે છે તો તમે પ્રી પેડ વીડિયો તેમજ લાઈવ વીડિયો બંને દ્વારા શીખવતા કે કોઈ ઑફલાઈન પ્લેટફોર્મ પસંદ કરીને તમને ગમતી સ્કીલ કે જરૂરી અન્ય વિષય શીખી શકો છો.
જો તમારામાં ધીરજ હશે, ક્યાંક પહોંચવાની તમન્ના હશે ને ટોળામાંથી બહાર નીકળીને કશુંક કરી બતાવવાની હામ હશે તો તમને કોઈ પણ પ્રલોભનો કે કોઈ પ્રોબ્લેમ અટકાવી નહીં શકે.
(વનમાળી ઠાકોર )