મોંઘી ડોશી
ગામમાં કોઈને ગોદડા બનાવવાના હોય, મોહનથાળ બનાવવાનો હોય, કોઈની દીકરીને જોવા આવવાના હોય કે પછી કોઈના ઘરમાં ભાઈઓ ભાઈઓ વચ્ચેના અબોલા તોડાવવાના હોય સૌની જીભ પર એક જ નામ આવે મોંઘી ડોશી. એક એને બોલાવીલો એટલે બધું આવી ગ્યું. મોંઘી ડોશી આવે એટલે સૌને હાશ થાય કે હવે વાંધો નહીં આવે. ડોશી આવ્યા છે તે બધું સાચવી લેશે. પણ શું આ ડોશી પહેલેથી જ આટલી કામગરી, હોંશિયાર ને સૌની માનીતી હશે ખરી? મોંઘી ! ઓ મોંઘી ! ક્યાં મરી ગઈ? મારા તો ભોગ લાગ્યા કે આ મારા ઘરમાં વહુવારું થઈ આવી ચડી ! આ માવજીએ એનામાં એવું તે શું જોઈ લીધું કે 'પરણીશ તો બા એને જ નહીં તો આજીવન બાવો થઈને ફરીશ' એવું નિમ લઈ બેઠો તે મારે ના છૂટકે એની હારે એનો હથેવાળો કરાવવો પડ્યો. મને બોલાવી ? શું કામ છે તમારે? આખો દાડો બૂમાબૂમ કર્યા કરો છો. જપીને બેસવા જ દેતા નથી જરાય. આ મારા ક્યાં જનમના પાપ હશે તે આ ઘરે મને પરણાઈ મારા બાપે. કેટકેટલા માંગા આવતા'તા મારા માટે ને તોય ડોહો કે કે 'ઝમકુંમાના ત્યાંથી માંગું આવ્યું છે તે ના ન પાડી શકાય. એમના જેવું ખોરડું દીવો લઈને ગોતવા જઓ તોય ના મળે'. ને મને અહીંયા નાખી મારા બાપે...